પી.પી.સવાણી પરિવારે બે દિવસમાં ૧૩૩ દીકરીને ભાવસભર વિદાય આપી
*- પરિવારજનના અંગદાનની સંમતિ આપનાર બહેનોના હસ્તે દીપ પ્રાગટ્યપ્રાગટ્યપ્રાગટ્ય*
*- ૧૩૩ દીકરીને પિતા સાથે નવો મળ્યો*૧૩૩ દીકરીને પિતા સાથે નવો પરિવાર મળ્યો*
*એક ખ્રિસ્તી સહીત ૫૬ દીકરીને સવાણી પરિવારે વિદાય આપી*
સુરત તા ૨૧ : પી.પી.સવાણી પરિવારના આંગણે દરવર્ષે યોજાતા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીના ભવ્ય લગ્ન સમારોહમાં આજે બીજા દિવસે સમાજના અનેક મહાનુભાવો અને અધિકારીઓની હાજરીમાં કન્યા વિદાયના લાગણીશીલ દ્રશ્યો સર્જાયા હતા. દરેક દીકરીના માથે હાથ મુકીને મહેશ સવાણી પિતા તરીકેની હુંફ આપીને દરેક દીકરીને લગ્ન પછીની તમામ જવાબદારી ઉઠાવવાની ખાતરી પણ આપતા હતા. આ અનોખા લગ્ન સમરોહ યોજાય છે સમુહમાં પણ એમાં દરેક દીકરીને પોતીકો પ્રસંગ લાગે એવી રીતે ઉજવાય છે.
સ્વાગત કરતા પી.પી.સવાણી પરિવારના શ્રી મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, કોયલડી લગ્ન સમારોહમાં પરણતી ૧૩૩ કન્યા પૈકી ૯૦ ટકા કન્યા એવી છે જેમના પરિવારમાં પિતા કે ભાઈ કોઈ નથી. અનેક જ્ઞાતિ, સમાજ અને પ્રદેશની દીકરીઓ એક જ માંડવે પરણીને સાસરે જઈ રહી છે. મહેશભાઈ એ જણાવ્યું હતું કે, દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિકતા છે એ પછી જે દીકરીનો ભાઈ ન હોય એવી દીકરીને પ્રાધાન્ય આપીએ છીએ.
આજના લગ્ન સમરોહમાં ૫૬ દીકરીએ પ્રભુતામાં પગલા માંડ્યા છે. આ કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય એવી ૧૬ બહેનોના હસ્તે થયું હતું કે જેમને પોતાના પરિવારજનના અંગદાનની સંમતિ આપી હતી. સુરતમાં પ્રવૃત એવી જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થા દ્વારા અંગદાન માટે સતત જાગૃતિની પ્રવૃત્તિ થતી રહે છે એમણે લગ્ન સમારોહમાં પણ અંગદાન જાગૃતિની પ્રવૃત્તિ કરી હતી.
રવિવારની મોડી સાંજે લગ્ન અને ઉત્સવના ગીત ગુંજતા હતા એ ધીમે-ધીમે વિદાયના સુરમાં પરિવર્તિત થઇ ગયા અને શાંતિને ભેદીને મંડપમાં ડૂસકાંઓની નાની નાની લહેરો ઉઠવા લાગી. ખુશીના રંગો વિદાયની વેદનામાં રૂપાંતરિત થયા. દીકરીઓ એક પછી એક પોતાની માતાને, બહેનોને, સ્નેહીજનોને ભેટીને રડી રહી હતી, પરંતુ જ્યારે દીકરીઓ પાલક પિતા એવા મહેશભાઈને મળવા આગળ વધી, ત્યારે લાગણીઓના બંધ તૂટી પડ્યા. દીકરી અને મહેશભાઈ બંનેની આંખોમાંથી આંસુઓનો ધોધ વહેવા લાગ્યો. એ માત્ર આંસુ નહોતા એમાં પિતૃત્વનો સાગર અને નિષ્કામ પ્રેમનો પ્રકાશ હતો. મહેશભાઈ દરેક માંડવામાં પહોંચીને, દરેક દીકરીના માથે હાથ મૂકી, આશીર્વાદ વરસાવી રહ્યા હતા.
તુલસી અર્પીને સાસુએ વહુને સ્વીકારી
માહ્યરામાં લગ્નવિધિ પહેલા સાસુએ વહુને તુલસી છોડ અર્પણ કરીને સ્વાગત કરીને સ્વીકારી હતી, આ સ્વીકાર માત્ર વહુ તરીકે નહિ પણ એ વહુની તમામ જવાબદારી સાથે એનો સ્વીકાર પ્રતીકાત્મક રીતે મહેશભાઈ સવાણી એ કરાવ્યો હતો. જેને “તુલસીનો ક્યારો” કહેવાય છે, એવી દીકરીઓને સાસુઓએ હાથ પકડી લગ્નમંડપ સુધી દોરી. કોઈ લગ્ન પ્રસંગમાં સાસુઓને આટલું સન્માન અપાયું હોય એવો કદાચ આ પહેલો અવસર હશે.
પિતા, પુત્ર અને દીકરીઓના પુસ્તકનું વિમોચન
જાણીતા લેખક-વક્તા શૈલેષભાઈ સગપરિયાએ લખેલું શ્રી વલ્લભભાઈ સવાણીના જીવનચરિત્ર પુસ્તક ‘આરોહણ’ અને મહેશભાઈ સવાણીના જીવનચરિત્ર પર ડો.જિતેન્દ્ર અઢિયાએ લખેલા પુસ્તક ‘પ્રેરણામૂર્તિ’ અને પિતાવિહોણી દીકરીઓના લાગણીસભર પત્રોના પુસ્તક ‘કોયલડી’ નું વિમોચન મહાનુભાવોના હસ્તે થયું હતું. પિતા, પુત્ર અને દીકરીઓના પત્રનું સંકલન કરતુ એવું વિશેષ પુસ્તકનું એક જ મંચ ઉપર એક જ સાથે વિમોચન થયું હોય એવું વિરલ ઘટના બની હતી.