ગારીયાધાર તાલુકાના ખોડવદરી ગામે પત્થર કાઢવા ની ખાણો માં થતાં બ્લાસ્ટ ના વિરોધમાં લીઝ રદ્દ કરો ની માંગ સાથે ગ્રામજનો નો હલ્લાબોલ
ગારીયાધાર તાલુકાના ખોડવદરી ગામે ખનન માફીયાઓ દ્વારા કરવામાં આવતા માઇનિંગ સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાય વર્ષોથી આ સમસ્યાથી ગ્રામજનો પીડાઈ રહ્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. અવારનવાર ગ્રામજનો દ્વારા લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પરિણામ શૂન્ય છે. ગત તારીખ 18/11/25 ના રોજ ગારિયાધાર મામલતદાર ને અનેક સ્થાનિક ગ્રામજનો ની સહીઓ સાથે લેખિત અરજી આપી રજૂઆત કરી જણાવ્યું હતું કે ખોડવદરી ગામે ચાલતી પથ્થર કાઢવાની ખાણોમાં ખનન માફિયાઓ દ્વારા ખાણમાંથી પત્થર કાઢવા માટે ખૂબ જ મોટી તીવ્રતાના બ્લાસ્ટ કરવામાં આવે છે જેના કારણે ગામમાં મોટાભાગના મકાનોમાં તિરાડો પડી ગઈ છે. અને જ્યારે જ્યારે આવા મોટા બ્લાસ્ટ કરવામાં આવે ત્યારે ગામમાં ભૂકંપ આવ્યો હોય તેવો ભય જોવા મળે છે .
તે પહેલા પણ અગાઉ આ બાબતે ગ્રામજનો દ્વારા ગત તારીખ ૨૪/૯/૨૫ના રોજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જે અનુસંધાને જે તે સમયે તપાસ થઈ અને થોડો સમય બધું શાંત પણ થયું પરંતુ સમય વિતતાની સાથે જ ફરી એની એજ પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ અતિ તીવ્ર બ્લાસ્ટ ના કારણે ગામ ના કેટલાય મકાનો માં તિરાડો પડી હોવાના અહેવાલો મળી રહ્યા છે. તેમજ આ ખનન માફિયાઓ દ્વારા ગામ ની વચ્ચેથી મોટા મોટા હેવી ટ્રકો હજારો ટન (પત્થર) વજન લઈને ગામ તળમાંથી પસાર થઈ રહ્યા છે. જેના કારણે ધૂળની ડમરીઓ ઉડતા લોકોના ઘરમાં પણ ધૂળ ના થર જામે છે. ગ્રામજનોની ખેતીવાડીની જમીન પણ જ્યાં ખાણ આવેલી છે તે બાજુ આવેલ હોય જ્યાં આવવા જવા માટે ગાડા માર્ગ હતો પરંતુ હૈવી વાહનોના કારણે આ રસ્તામાંથી પસાર થતા પશુપાલકો તેમજ ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સાથે સાથે પત્થર કાઢવા તેમજ તોડવા માટે કરવામાં આવતા તીવ્ર બ્લાસ્ટ ના કારણે પાણી ન તળ પણ ઊંડા ચાલ્યા ગયા હોવાનું ગ્રામજનો દ્વારા જણાવી રહ્યા છે . જેના કારણે ભવિષ્યમાં પણ જળસંકટ ની સમસ્યા ઊભી થવાની શક્યતાઓ રહેલી છે.
ત્યારે આ ખનન માફિયાઓ કોની રહેમ નજર હેઠળ આવડા મોટા બ્લાસ્ટ કરી અને ખનન કરી રહ્યા છે ? તે સવાલ ઊભો થઈ રહ્યો છે જોકે આ સમસ્યા આજકાલની નહીં પરંતુ વર્ષો જૂની છે. જેમાં અવારનવાર ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવેલ હોય પરંતુ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. જોકે અગાઉ કરેલી રજૂઆત અનુસંધાને તારીખ 3/12/25 ના રોજ ખાણખનીજ વિભાગના અધિકારીઓ તપાસ માટે ગામ ની મુલાકાતે આવ્યા હતા. તેને પણ ગ્રામજનોએ રોકડું પકડાવી દીધું હતું કે અમારા ગામ માં ચાલતી કાયદેસર કે ગેરકાયદેસર બધી ખાણો ની લીઝ રદ કરી ખાણો બંધ કરવામાં આવે. અને જો આ મામલે યોગ્ય ન્યાય નહિ મળે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાં આંદોલન કરવામાં આવશે અને જરૂર પડ્યે નામદાર કોર્ટ સુધી પણ લડત લડવામાં આવશે તેવું જણાવાયું હતુ.