મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં ૧૩૭.૬૭ કરોડની દુષ્કાળ સહાય મળશે.

ગત ચોમાસામાં અપૂરતા વરસાદને પગલે મોરબી જીલ્લામાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હતી જેમાં ત્રણ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે જયારે બાકી બે તાલુકાને ઈનપુટ સબીસીડી સહાયની જાહેરાત કરવામા આવી છે જેમાં મોરબી જીલ્લાના પાંચ તાલુકાને ૧૩૭.૬૭ કરોડથી વધુ સહાય મળશે. મળેલી વિગત મુજબ ગઈ કાલે સાંજે કલેક્ટર કચેરી ખાતે જીલ્લા કલેકટર આર.જે. માંકડિયા, અધિક કલેકટર કેતન જોષી અને પાણી પુરવઠા અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જીલ્લા કલેકટરે જણાવ્યું હતું કે મોરબી જીલ્લાના દુષ્કાળગ્રસ્ત માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ગામેગામ છેવાડા સુધીની પરિસ્થિતિનો તાગ મેળવી વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. રોજગારીના પ્રશ્નો માટે મનરેગાના કામો શરુ કરવાનું આયોજન કર્યું છે જેમાં ગામમાં શ્રમિકોને રોજગારી મળશે તે ઉપરાંત સબસીડી રાહત માટેની તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. જીલ્લામાં કેટલી ગૌશાળા અને પાંજરાપોળ છે તેની માહિતી એકત્ર કરવામાં આવી છે તેમજ પશુધારકોની સંખ્યાનો આંક પણ મેળવી લેવાયો છે. વધુમાં જણાવ્યું હતું કે જીલ્લાના કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠા દ્વારા દરેક ગામ માટે વનરેબલ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. હાલ ૧૧ ગામોમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડાય છે. જયારે ૧૫ જુલાઈ સુધીમાં ૬૬ ગામોમાં ટેન્કરથી પાણી પહોંચાડવાની જરૂરિયાત રહેશે. જેના માટે તંત્ર સજ્જ છે. હાલ પાણીના સ્ત્રોત કેપેસીટી સહિતના અંદાજ મેળવી લેવાયા છે તેમજ જિલ્લામાં દુષ્કાળગ્રસ્ત સહાય માટે ખેડૂતો, પશુપાલકો સહિતનાઓને સહાય માટે કુલ ૧૩૭.૬૭ કરોડથી વધુની રકમની આવશ્યકતા રહેશે તેમ પણ જણાવ્યું છે.

Join Whatsapp
error: